કેનેડામાં દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું સફળ પરીક્ષણ

ઉત્તર અમેરિકાના કેનેડામાં આવેલી વેનકુંવર સ્થિત હાર્બર એર સી પ્લેન કંપનીએ મંગળવારે સફળતાપૂર્વક દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે સ્વચ્છ એવિએશનની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.
હાર્બર એર અને સિએટલની એન્જિનિયરિંગ કંપની મેગ્નિએક્સ કંપનીએ ૬૨ વર્ષ જૂના ડીએચસી-૨ ધ હાવીલેન્ડ બીવર વિમાનમાં ૭૫૦ હોર્સ પાવરની મોટર લગાવીને એનું પરીક્ષણ કર્યું હતું. ઇલેક્ટ્રિક વિમાનનું પરીક્ષણ વેનકુંવર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક રિચમોન્ડમાં ફ્રેઝર નદીના કિનારે કરવામાં આવ્યું હતું. આ વિમાન ત્રણ કિલોમીટરનું ચક્કર કાપીને નદીમાં ઊતર્યું હતું. આ વિમાનમાં ૬ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે આ સી પ્લેન એક વાર ચાર્જ થયા બાદ ૧૬૦ કિલોમીટરનો પ્રવાસ કરી શકાશે.
મેગ્નિએક્સે વિમાનની મોટર તૈયાર કરી છે અને આ પ્રોજેક્ટ પર તેઓ હાર્બર એર સાથે કામ કરી રહ્યા છે. હાર્બર એરની યોજના છે કે તેના તમામ ૪૦ વિમાનોને ઈ-વિમાન બનાવી દેવામાં આવે. જોકે કોર્મિશયલ વિમાન તૈયાર કરવાની પ્રક્રિયામાં બે વર્ષ નીકળી જશે. એના ર્સિટફિકેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ઈ-વિમાન તૈયાર કરાશે.

શા માટે ઇલેક્ટ્રિક વિમાન જરૂરી?

વૈશ્વિક એવિએશન સેક્ટરને કાર્બન ઉત્સર્જન માટે સૌથી વધારે જવાબદાર માનવામાં આવે છે. મેગ્નિએકસના સીઈઓ રોએ ગાંજાર્સ્કીએ કહ્યું હતું કે ડિસેમ્બર ૧૯૦૩માં રાઇટ બ્રધર્સે હવાઈ યુગની શરૂઆત કરી હતી, જેને એવિએશન યુગ કહેવાય છે. 
૧૧૬ વર્ષ પછી ઇલેક્ટ્રિક ઉડ્ડયન સાથે અમે એવિએશન સેક્ટરમાં ઇલેક્ટ્રિક યુગની શરૂઆત કરી છે. ઈ-વિમાનના કારણે કાર્બન ઉત્સર્જન શૂન્ય થશે અને ઓછા ખર્ચમાં ઉડ્ડયન થશે અને ઇંધણની બચત થશે. એક ફ્લાઇટનો ખર્ચ ૧૦થી ૨૦ ડોલર જેટલો જ આવશે. 
ઈ-વિમાનની મર્યાદા વિશે બોલતાં ગાંજાર્સ્કીએ કહ્યું હતું કે એમાં લીથિયમ બેટરી હોવાથી હાલમાં એની રેન્જ ૧૬૦ કિલોમીટર સુધી સીમિત છે, એની આ ક્ષમતામાં વધારો પણ કરવામાં આવશે. વિશ્વમાં બોઈંગ અને એરબસ કંપની પણ ઈ-વિમાન પર કામ કરી રહી છે. 
 હાર્બર એરના સીઈઓ અને સંસ્થાપક ગ્રેગ મેકડોગલે આ ઈ-વિમાન જાતે ઉડાવ્યું હતું અને ઉડ્ડયન બાદ કહ્યું હતું કે અમે ઇતિહાસ રચી દીધો છે. અમે અમારાં તમામ વિમાનોને ઈ-વિમાન બનાવી દઈશું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *