ટો ટ્રક હવે પૃથ્વીની આસપાસનો અવકાશી કચરો સાફ કરશે!

વીસમી સદીમાં માણસે જેમ જેમ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી તેમ તેમ તેણે અવકાશમાં નજર દોડાવી અને છેલ્લા ૭૦ વર્ષમાં આકાશમાં અનેક પ્રકારના સેટેલાઇટો અને રોકેટો છોડવામાં આવ્યાં. કોઈ પણ સેટેલાઇટને લઈને જતું રોકેટ અવકાશમાં કચરો થઈ જાય છે. જે સેટેલાઇટો મોકલવામાં આવે છે તે પણ થોડાં વર્ષો બાદ નિરુપયોગી થઈ જાય છે અને તેથી આવાં સેટેલાઇટો અવકાશમાં પૃથ્વીની આસપાસ તેમની ભ્રમણકક્ષામાં ફર્યા કરે છે. આ તમામ અવકાશી કચરામાં ફેરવાય છે. આકાશી કચરો હટાવવા માટે અનેક પદ્ધતિ વિશે ચર્ચા થઈ છે, પણ સ્વિસની ક્લિયર સ્પેસ કંપની રોબોટિક આર્મથી કચરો પકડશે અને એને પૃથ્વીનાં વાતાવરણમાં લાવીને નષ્ટ કરશે.

સ્વિસ કંપનીને કોન્ટ્રાક્ટ

યુરોપની યુરોપિયન સ્પેસ એજન્સીએ તાજેતરમાં સ્વિસની એક સ્ટાર્ટઅપ કંપની ક્લિયર સ્પેસને ૧૦૦ મિલિયન પાઉન્ડનો એક કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એમાં ક્લિયર સ્પેસ કંપનીએ બ્રિટિશ સરકારે છોડેલા એક રોકેટના ટુકડાઓને નષ્ટ કરવાના છે. આ માટે ક્લિયર સ્પેસ કંપની આ ટુકડાઓને વીણવા અને પૃથ્વીનાં વાતાવરણમાં લાવીને નષ્ટ કરવા માટે ૨૦૨૫માં ‘ટો ટ્રક’ એટલે કે એવાં ઇક્વિપમેન્ટ મોકલશે જે આ કચરાને વીણીને સાફ કરી દેશે. પહેલું મિશન ૨૦૨૫માં શરૂ થાય એ માટે બ્રિટિશ સરકારે ૧૦ મિલિયન પાઉન્ડ આ કંપનીને ચૂકવ્યા છે. આ રોકેટના ટુકડા ૨૦૧૩થી પૃથ્વીની સપાટીથી ૪૩૫ માઈલ ઉપર સ્થિર છે. ક્લિયર સ્પેસ-૧ મિશન આ ટુકડા તબક્કાવાર દૂર કરશે.

કેટલો છે અવકાશી કચરો?

પૃથ્વીની ફરતે આશરે ૫,૦૦૦ સેટેલાઇટો છે અને એમાંથી ૨,૦૦૦ કાર્યરત છે જ્યારે ૩,૦૦૦ હવે નકામા છે. આ સિવાય રોકેટના લાખોની સંખ્યામાં ટુકડા આકાશમાં ફરી રહ્યા છે. આકાશમાં આશરે ૧૭૦ મિલિયન ટુકડા સ્પેસ જંક તરીકે ફરી રહ્યા છે. આ ટુકડા નાનકડી ખીલીથી સેટેલાઇટના સોલાર પેનલ જેટલા મોટા હોઈ શકે છે. આકાશમાં હાલમાં અત્યારે ૭૦૦ અબજ ડોલરના સેટેલાઇટો કાર્યરત છે અને આ ટુકડા આ સેટેલાઇટો અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમી છે. અંતરીક્ષમાં ફરી રહેલા આ કચરાનું વજન આશરે ૭,૫૦૦ ટન છે.

રોબોટિક આર્મ હશે જે કચરાની પાસે પહોંચશે અને તેને પકડી લેશે. ત્યારબાદ તેને પૃથ્વીનાં વાતાવરણમાં ઝડપથી મોકલાશે જેથી તે સળગીને નષ્ટ થઈ જશે.

કેવી રીતે કામ થશે?

ક્લિયર સ્પેસ કંપની ટો ટ્રક આકાશમાં મોકલશે. એના સ્પેસક્રાફ્ટમાં રોબોટિક આર્મ હશે જે કચરાની પાસે પહોંચશે અને રોબોટિક આર્મથી એને પકડી લેશે. એ પછી આ સ્પેસક્રાફ્ટનું એન્જિન કાર્યરત કરાશે અને એ પૃથ્વી તરફ પ્રવાસ શરૂ કરશે. પૃથ્વીનાં વાતાવરણમાં આવતાં જ સ્પેસક્રાફ્ટ અને એની સાથેનો કચરો સળગી જશે.

એક નવો વ્યવસાય

ક્લિયર સ્પેસના મતે આકાશમાં ફરી રહેલા કચરાની સમસ્યાને ઉકેલવા માટે સ્પેસ જંક હટાવ એક નવો વ્યવસાય છે. આ કરોડો ડોલરનો બિઝનેસ છે. પૃથ્વીના લો અર્થ ઓર્બિટમાં ઘણો કચરો છે. આ કચરો સેટેલાઇટો માટે જોખમી છે અને તેથી એને હટાવવાના ક્ષેત્રમાં બિઝનેસની અપાર તકો છે.

મુશ્કેલી શું છે?

આકાશમાં ફરી રહેલા કચરાને દૂર કરવા માટે પૃથ્વી પર ઉપયોગી સક્શન પદ્ધતિ ફળીભૂત થઈ શકે તેમ નથી કારણ કે આકાશમાં શૂન્યાવકાશ છે. હવા નથી તેથી કોઈ ચીજને ખેંચી શકાય નહીં. આકાશમાં તાપમાન ઓછું છે અને તેથી ટેપ કે ગુંદર જેવા એડેસિવ પણ કામ લાગી શકે એમ નથી. આકાશમાં જે કચરો છે એ મેગ્નેટિક નથી અને તેથી શક્તિશાળી લોહચુંબકથી પણ આ કચરો ખેંચી શકાય એમ નથી.

નાસાનું લિડાર । આકાશમાં ફરતા કચરાને ટ્રેક કરવા નાસાએ લિડાર નામનું ઉપકરણ બનાવ્યું છે. એમાં રડાર અને ઓપ્ટિકલ ડિટેક્ટરનું સંયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય એફએમ રેડિયો તરંગોથી પણ કચરો શોધી શકાય છે. જોકે હાલમાં માત્ર ૨૨,૦૦૦ ટુકડા એવા છે જે ટ્રેસ થયા છે. આ ટુકડા આકાશમાં ૨૭,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી રહ્યા છે અને તે સેટેલાઇટો માટે જોખમી છે. એક ટુકડો અથડાય તો સેટેલાઇટ નષ્ટ થઈ શકે છે.

૨૬૦ સેટેલાઇટ ડુબાડી દેવાયાં

ઘણા સેટેલાઇટોમાં ડી-ઓર્બિટિંગ સિસ્ટમ લગાવવામાં આવે છે. એમનું કામ પૂરું થઈ જાય પછી એ સેટેલાઇટને પેસિફિક મહાસાગરમાં પાડીને ડુબાડી દેવાય છે. અત્યાર સુધીમાં ૨૬૦ સેટેલાઇટોને આમ ડુબાડી દેવાયાં છે. કેટલીક વાર સેટેલાઇટને રિપેર કરવા માટે રોબોટ મોકલવામાં આવે છે અથવા સેટેલાઇટમાં સ્ફોટ કરીને તેનો નાશ કરાય છે.

શું કચરો પૃથ્વી પર પડી શકે?

શું અવકાશી કચરો પૃથ્વી પર પડી શકે એવો ઘણાને વિચાર આવી શકે છે, પણ એમ થતું નથી. આ કચરો પૃથ્વીના વાતાવરણમાં આવતાં જ સળગી જાય છે. એક ટ્રિલિયનમાં માત્ર એકાદ વાર કચરો પૃથ્વી પર પડી શકે છે. ૧૯૮૯માં ૧૦૦ ટન વજનનો સ્કાયલેબ હિન્દી મહાસાગરમાં તૂટી પડયો હતો. ૨૦૦૯માં રશિયાનું સ્પેસ સ્ટેશન મીર પેસિફિક મહાસાગરમાં તૂટી પડયું હતું. જોકે આ ઘટનાઓમાં માનવહાનિ થઈ નહોતી.૨૦૨૫ માં પહેલું મિશન શરૂ થાય એ માટે બ્રિટિશ સરકારે ૧૦ મિલિયન પાઉન્ડ આ કંપનીને ચૂકવ્યા છે. આ રોકેટના ટુકડા ૨૦૧૩થી પૃથ્વીની સપાટીથી ૪૩૫ માઈલ ઉપર સ્થિર છે. ક્લિયર સ્પેસ-૧ મિશન આ ટુકડા તબક્કાવાર દૂર કરશે.
૭૫૦૦ ટન વજન અંતરીક્ષમાં ફરી રહેલા આ કચરાનું છે. આ કચરો કોઈ પણ મિશન વિના પૃથ્વીની ફરતે બસ ફર્યા કરે છે. આ કચરો કોઈ પણ સેટેલાઇટ સાથે અથડાય તો એને નષ્ટ કરી શકે છે, જે અવકાશી પ્રયોગ માટે જોખમ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *